“અનંત પ્રેમ” સંતરા વેચતી એક ગરીબ માં નો પ્રેમ

એક નાના એવા ગામમાં એક ડોશી બજારમાં સંતરા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી. આ ડોશી પાસેથી રોજ એક યુવક સંતરા ખરીદતો. પરંતુ સંતરા ખરીદતા પહેલા તે યુવક રોજ એક સંતરું ચાખતો અને ત્યારબાદ જ સંતરા ખરીદતો. એક દિવસ તે યુવક ડોશી પાસે રોજની જેમ સંતરા ખરીદવા આવ્યો અને એક સંતરુ ચાખીને ડોશીને કીધું, “ડોશીમાં આ સંતરૂ તો ખાટું છે”. ડોશીએ પણ એ સંતરુ ચાખીને કહ્યું, “અરે બેટા… આટલું તો મીઠું છે સંતરુ. આ સાંભળીને તે યુવક થોડા સંતરા ડોશી પાસેથી લઈને પેલું ચાખેલું સંતરુ ત્યાં જ છોડીને જતો રહ્યો.

રોજ આવું બનતું. આ જોઈને એક દિવસ તે યુવકની પત્નીએ ઘરે જઈને યુવકને પૂછ્યું, “તમે રોજ પેલા ડોશી પાસેથી સંતરા લો છો અને તમને પણ ખબર હોય છે કે તેના સંતરા મીઠા જ હોય છે છતાં પણ તમે રોજ સંતરા ચાખીને લો છો. આવું કેમ કરો છો?

આ સાંભળી પેલા યુવકે તેની પત્નીને સ્મિત સાથે કહ્યું, ” તારી વાત સાચી છે કે એ ડોશીમાં ના સંતરા મીઠા જ હોય છે અને એ ડોશી પણ સંતરા ખાવા પામતી હોય છે. એટલે હું રોજ મે લીધેલા સંતરા માંથી લીધેલું એક સંતરુ ચાખું છું અને તે સંતરું ત્યાં જ મૂકીને આવતો રહું છું અને મને તે ડોશીને સંતરુ ખવડાવીને ખુશી મળે છે.

આ બાજુ સંતરા વેચતી ડોશીમાં ની બાજુ માં બેસતી એક બાઈએ ડોશીમાં ને પૂછ્યું, “રોજ સંતરા ખરીદવા આવતો પેલો છોકરો રોજ એક સંતરૂ ચાખે છે તો પણ તું સંતરા તોલે ત્યારે એક બે સંતરા વધારે કેમ આપી દે છે ? ડોશીમાં એ કહ્યું, “એ છોકરાના મનમાં શું છે એ હું જાણું છું, એ છોકરો સંતરા ચાખવાના બહાને રોજ એક સંતરૂ મને ખવડાવવા માટે અહીંયા મૂકીને જાય છે. હું એના પ્રેમને સમજી ગઈ છું અને એટલે જ એક માં ની જેમ મારા થી સંતરા એક બે વધારે જ અપાય જાય છે. જેટલો પ્રેમ આપશો એટલો જ પ્રેમ તમને પાછો મળશે. પ્રેમની કોઈ વ્યાખ્યા નથી હોતી. માં નો પ્રેમ અનંત હોય છે.