દુનિયા પર હાહાકાર મચાવી રહી છે ફંગસ નામની જીવલેણ બીમારી : દવા પણ બેઅસર

દુનિયામાં મેડિકલ સાયન્સ સંશોધનો અને દવાઓ પાછળ મચી પડ્યું છે તો બીજી તરફ નવાં નવાં સંક્રમણ પેદાં થતાં જાય છે. આમ કુદરત સામે મનુષ્ય જાણે લાચાર બની ગયો છે. હાલમાં એક નવાં પ્રકારની ફંગસ માનવીનાં મૃત્યુનું રહસ્ય બની ગઈ છે. આ ફંગસ માનવીના શરીરમાં ચૂપચાપ પ્રવેશી એવું ઇન્ફેક્શન પેદાં કરે છે કે, છેવટે એ મનુષ્યનો અંત લાવીને ઝંપે છે. આનો કોઈ ઉકેલ મેડિકલ સાયન્સ પાસે ઉપલબ્ધ નથી. ચોંકાવનારી બાબત છે કે, ભોગ બનનારનાં મૃત્યું પછી પણ ફંગસ જીવિત રહે છે.  એ ફંગસ ત્યાર બાદ બીજી વ્યક્તિનાં શરીરમાં પ્રવેશ કરે છે. આમ દુનિયામાં એક વધું મહામારી પેદાં થઈ છે.

ન્યુયોર્ક ટાઇમ્સનાં અહેવાલ મુજબ મે મહિના દરમિયાન બ્રુકલિન સ્થિત માઉન્ટ સીનાઇ હોસ્પિટલમાં એક આધેડને દાખલ કરાયો અને એનાં લોહી પરિક્ષણ દરમિયાન માલુમ પડયું કે, તે એક અલગ પ્રકારનાં જીવાણુથી સંક્રમિત છે. રિપોર્ટ જોઇને તબીબો આશ્ર્ચર્ય પામી ગયાં. આ પેશન્ટ ગમે ત્યારે મૃત્યુ પામી શકે તેથી તેને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરાયો હતો. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એવાને આ ફંગસ ભોગ બનાવે છે.  આખી દુનિયામાં આ ફંગસે ભરડામાં લીધો છે. છેલ્લાં પાંચ વર્ષમાં વેનેઝુએલાનાં નવજાત શિશુ સંબંધી યુનીટ અને સ્પેનનાં એક હોસ્પિટલમાં ફંગસ ફેલાયો છે. આને લીધે બ્રિટિશ મેડિકલ સેન્ટરને તાળા લગાવી દેવાની નોબત આવી હતી. એજ ફંગસ હવે પાકિસ્તાન, ભારત, દક્ષિણ આફ્રિકામાં પણ પગપેસારો કરવાં માંડ્યો છે.

રિપોર્ટ મુજબ હાલમાં કૈંડીડા ઓરીસ ન્યુયોર્ક, ઇલિનોય તથા ન્યુજર્સી સુધી ફંગસ પહોંચી ગયો છે.

મૃત્યુ પછી પણ ફંગસ પીછો છોડશે નહીં

માઉન્ટ સીનાઇ હોસ્પિટલમાં ભરતી પામેલ અને કૈંડીડા ઓરીસથી પિડિત આધેડનું નેવું દિવસે મૃત્યુ થયું હતું. ચકાસણી દરમિયાન જણાયું કે, તેને જે કમરામાં રાખવામાં આવેલ તેની દરેક વસ્તુમાં કૈંડીડા ઓરીસ દેખાઇ હતી. આ પછી રૂમની સાફસૂફી માટે સ્પેશ્યલ ક્લિનિંગ ઇક્વિપમેંટનો ઉપયોગ કરવો પડ્યો. એટલી હદે કે ફંગસનો નાશ કરવાં સિલિંગથી માંડીને ફ્લોર સુધી ટાઇલ્સ ઉખેડવી પડી. હોસ્પિટલના પ્રબંધક ડૉ. સ્કોટ લોરીને જણાવ્યું કે એ કમરાની ચાદર, બિસ્તર, ફોનથી માંડીને દરેક વસ્તુઓમાં કૈંડીડા ઓરીસ મોજુદ હતી.

દવાને પણ ગણકારતી નથી.

આ ફંગસ પર એન્ટીફંગલ મેડિકેશનની અસર જોવા મળી નહોતી.

સમસ્યા એટલી ભયાનક બની ચૂકી છે કે, આની લોકો સુધી જાણકારી પહોંચી નથી. બહું ઓછા લોકોને આની ખબર છે. આનું કારણ એ છે કે, એને ખાનગી રાખવામાં આવે છે. સ્થાનિક સરકાર કે હોસ્પિટલ સત્તાવાળાઓને ડર સતાવે છે કે, આઉટબ્રેકની માહિતી જાહેર થશે તો નવી ઉપાધી આવી પડશે. સેન્ટર ફોર ડિસીજ કન્ટ્રોલ વિભાગ પણ એનાંથી પ્રભાવિત લોકેશનની માહિતી આપવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ઘણીવાર રાજ્ય સરકારોએ તેમની પાસે આવો મામલો આવેલ હોવાનું સ્વિકાર્યુ હતું પરંતુ એનાથી આગળ કોઈ જાણકારી આપી નહોતી. આ ફંગસ હોસ્પિટલનાં દરેક ઉપકરણો, માંસ, શાકભાજી તથાં સીમા પાર યાત્રાળુ વગેરે સુધી ફેલાય છે. હજી સુધી મેડિકલ સાયન્સ શોધી શક્યું નથી કે, આ ફંગસ ક્યાંથી આવેલ છે. ફંગસ દુનિયાભરમાં પ્રભાવ ફેલાવી રહ્યું છે. યુએસમાં કૈંડીડા ઓરીસનાં અંદાજે 597 મામલા સામે આવી ચૂક્યા છે.

આનાં લક્ષણો શું છે?

દુખાવો, નબળાઇ તાવ… આ બધાં લક્ષણો સામાન્ય ગણાય છે પરંતુ જેની ઇમ્યુન સિસ્ટમ કમજોર હોય એનાં માટે ઘાતક સાબિત થઈ શકે છે. આનો ઇલાજ કરનારાને પણ ચેપ લાગી જવાનો ભય રહે છે. ન્યુયોર્કનાં એક હોસ્પિટલમાં કામ કરતાં ડૉ. મૈથ્યુ મૈકકાર્થીએ  એક દર્દીની સારવાર વખતે આવો ભય અનુભવ્યો હતો. જોકે, મેડિકલ સાયન્સ આની અસર રોકવા, સારવાર અને રિસર્ચ પાછળ મચી પડ્યું છે.

સૌજન્ય – ન્યુયોર્ક ટાઈમ્સ

લેખસંપાદક – મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)