ગુજરાતનાં ત્રણ મહાનગરો અમદાવાદ, સુરત અને વડોદરાને ૩ મે બાદ કોઈ છુટછાટ નહીં મળે

દેશમાં કોરોના વાયરસ સાથેની જંગ ચાલી રહી છે. જેને લઇને દેશમાં કોરોના સંક્રમણનો ફેલાવો ના થાય તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆતમાં “જનતા કરફ્યુ” અને ત્યારબાદ લોકડાઉન કરવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ લોકડાઉન ૨૪ એપ્રિલ થી ૧૪ એપ્રિલ સુધીનું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી દ્વારા તે લોકડાઉન ને લંબાવીને ૩ મે સુધી શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦ એપ્રિલથી અમુક વિસ્તારોમાં થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે.

પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ૩ મે ના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થવા જઇ રહ્યો છે. ત્યારબાદ કેટલીક શરતોને આધીન, ગ્રીન ઝોનમાં આવતા વિસ્તારોને છૂટછાટ આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે રાજ્યભરમાં કોરોના વાયરસના સંક્રમણથી ખુબજ પ્રભાવિત છે એવા રેડ ઝોન વિસ્તારોને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવશે નહીં.

ગુજરાતમાં જેટલા પણ હોટસ્પોટ વિસ્તારો છે તે બધા પહેલાની માફક જ સીલ રહેશે. ગુજરાત રાજ્યમાં હાલમાં જે કોરોના હોટસ્પોટ એટલે કે રેડ ઝોનમાં જે શહેરમાં આવે છે તેમાં અમદાવાદ સુરત અને વડોદરા છે. આ શહેરોમાં લોકડાઉન નો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ પણ કોઈ વધારે છૂટછાટ આપવામાં આવે તેવું દેખાઈ રહ્યું નથી. રાજ્યમાં દરરોજ અંદાજે સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓના કેસ આવી રહ્યા છે જેમાંથી મોટા ભાગના આ ત્રણ શહેરોમાં જ હોય છે.

ગુજરાતના મોટાભાગના કોરોના સંક્રમિત કેસ આ ત્રણ શહેરોમાંથી જ હોય છે. જેના લીધે તેઓને ૩ મે બાદ કોઈ વધારે છૂટછાટ મળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રીન ઝોનમાં રહેલા શહેરોને લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ તેને આગળ ન વધારવાનું સરકાર વિચારી રહી છે. તે સિવાય હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના સંક્રમણને કેવી રીતે સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય તેના પ્રયાસો કરવામાં આવશે.

સખત શરતોનું પાલન કરવાનું રહેશે

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વ હેઠળ મળેલી કેન્દ્રીય મંત્રીઓની બેઠકમાં કોરોના વાઇરસ સામે લડવા માટેની સહમતી બની ગઈ છે. જે શહેરો સંપૂર્ણપણે કોરોના વાયરસ થી મુક્ત છે અથવા તો કોરોના થી મુક્ત બન્યા છે તેમને ગ્રીન ઝોનમાં મુકવામાં આવેલ છે. આ વિસ્તારોમાં લોકડાઉન હટાવી લેવામાં આવશે પરંતુ સ્થાનિક રહેવાસીઓએ સામાજિક અંતર નું પાલન તથા માસ્ક પહેરવા ફરજિયાત રહેશે.

તે સિવાય પણ અન્ય ઘણી સખત શરતોનું પાલન પણ કરવાનું રહેશે. જો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ શરતોનું પાલન નહીં કરવામાં આવે તો ફરીથી આવા વિસ્તારોમાં લોકડાઉન કરી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેલ્વે, બસ તથા હવાઈ સેવાઓ હાલના સમયમાં ચાલુ કરવામાં આવશે નહીં.