કોઈપણ પરિસ્થિતિમાં દુઃખી ના થવું હોય તો આ લેખ જરૂર વાંચજો

Posted by

દરેકના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. કોઈને સુખ લાંબો સમય ટકી રહે છે તો કોઈ ને દુઃખ લાંબો સમય તેના જીવનમાં રહે છે. આપણે સુખ માં ઘણા ખુશ રહીએ છીએ અને દુઃખમાં ખુબ જ દુઃખી થઈ જઈએ છીએ. આપણા મનને હંમેશા એક જ પરિસ્થિતિમાં રાખવું જોઈએ. જેનાથી કોઈપણ સ્થિતિમાં આપણા મનની સ્થિતિ ના બદલાય. આ કાર્ય કરવું ખુબ જ મુશ્કેલ છે પરંતુ અશક્ય પણ નથી. જો આપણું મન એક જ સ્થિતિમાં રાખશું તો કોઈપણ પરિસ્થિતિમાં દુઃખી નહીં થઇએ. અહીંયા અમે તમને એક લેખ દ્વારા જણાવીશું સુખ અને દુઃખમાં તમે કઈ રીતે મનને એક જ સ્થિતિમાં રાખી શકો છો.

એક યુવક એક દુકાનમાં કામ કરતો હતો. યુવક પોતાનું કામ ખુબ જ ઈમાનદારીથી કરતો હતો અને ખુબ જ મહેનતી પણ હતો. તે કોઈ દિવસ દુકાનમાં રજા નહોતો પાડતો. તે યુવક કોઈની પણ સાથે બોલતો પણ બહુ ઓછો હતો. બસ પોતાના કામ થી જ કામ રાખતો હતો. આ જ સ્વભાવના કારણે તેના શેઠ પણ તેનાથી ખુશ રહેતા હતાં. એક દિવસ તે દુકાન પર ના આવ્યો અને શેઠને પણ કામ પર ના આવવાનું કંઇ કારણ જણાવ્યું. શેઠને વિચારવા લાગ્યાં કે છોકરો સારું કામ કરે છે. ક્યારેય પણ રજા નથી લીધી અને આજે અચાનક જ કઇ પણ કહ્યા વગર ના આવ્યો. એટલે શેઠને શંકા થઇ કે તેને પૈસા ઓછા પડતાં હશે જેના લીધે તેણે આજે રજા લીધી.

બીજા દિવસે યુવક ફરી કામ પર આવી ગયો અને ફરી તે ચુપચાપ પોતાનું કામ કરવા લાગ્યો. તેણે શેઠને ના તો ગઇકાલે ના આવવાનું કંઇ કારણ જણાવ્યું અને ના તો શેઠે તેને કારણ પુછયું. શેઠે તેને બોલાવીને બસ એટલું જ કહ્યું કે તારો પગાર મે વધારી દીધો છે. પરંતુ આ વાત સાંભળીને પણ યુવક ના ચહેરા પર ખુશી જોવા ના મળી અને ફરી તે પોતાના કામમાં વ્યસ્ત બની ગયો.

ફરી એક દિવસ તે યુવક શેઠ પાસે રજા લીધા વગર કામ પર ના આવ્યો. આ વખતે શેઠ ને ખુબ જ ગુસ્સો આવ્યો. બીજા દિવસે ફરી યુવક કામ પર આવીને પોતાના કામમાં વળગી ગયો. આજે ફરી શેઠે તેને બોલાવીને કહ્યું કે, “મે તારો પગાર ફરી પહેલા જેટલો જ કરી દિધો છે. તને પહેલા જેટલો પગાર મળતો હતો હવે ફરી એટલો જ મળશે”. યુવક કંઇ બોલ્યો નહિ અને ફરી થી તે પોતાના કામમાં લાગી ગયો.

મહિનો પુરો થયો ત્યારે શેઠે તેને તેનો જુનો પગાર વધાર્યા વગરનો આપ્યો. પૈસા ઓછા મળ્યા હોવા છતાં પણ આ વખતે યુવકના ચહેરા પર દુઃખ જેવું કંઈ જોવા ના મળ્યું. એટલે શેઠ ને આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યા કે જ્યારે મે પૈસા વધાર્યા ત્યારે પણ ખુશ ના થયો અને આજે મે પૈસા ઓછા આપ્યા ત્યારે દુઃખી પણ ના થયો. શેઠ ને વિચિત્ર લાગ્યું એટલે તેણે યુવકને બોલાવીને તેનું કારણ પૂછ્યું.

ત્યારે યુવકે કહ્યું કે, જ્યારે મે પહેલી રજા પાડી હતી ત્યારે મારા ઘરે છોકરાનો જન્મ થયો હતો. બીજા દિવસે તમે મારો પગાર વધારી દીધો હતો. ત્યારે મને લાગ્યું કે મારા દીકરાના ભાગના પૈસા મને ભગવાને આપ્યા છે. આ કારણથી હું ખુશ નહોતો થયો. બીજીવાર જ્યારે મે રજા પાડી ત્યારે મારી માં નું મૃત્યુ થયું હતું અને બીજા દિવસે તમે મારો પગાર ઘટાડી નાખ્યો હતો. ત્યારે મને થયું કે મારી માં ના ભાગના પૈસા મારી માં લઈને જતી રહી છે અને મને એ વિચારીને દુઃખ ના થયું. આ સાંભળીને શેઠ એ તેને ગળે લગાવી લીધો.