ઘરે બેઠા રોડ પર મળતી પાણીપુરીની મજા લો, પાણીપુરી અને પાણીપુરીનું પાણી બનાવવાની રેસીપી જાણો

લોકડાઉનની સમય મર્યાદા વધારવામાં આવી છે તેવામાં બજારમાં જઇને સડકના કિનારે ચટપટી પાણીપૂરી ખાવાની ઈચ્છા જાણે દમ દોડતી નજર આવી રહી છે. કારણ કે આ સમયે સ્વચ્છતાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. એવામાં અમે તમને ઘરે પાણી પુરી બનાવવાની રેસીપી જણાવીશું. જેના લીધે તમે થોડા અલગ સ્વાદની પણ મજા લઇ શકશો અને મનને પણ ખૂબ જ સારું લાગશે. તો ચાલો આજે અમે તમને આ આર્ટિકલમાં બજારમાં મળતી પાણીપુરીની રેસીપી જણાવીએ. આ કુકિંગ ટિપ્સ દ્વારા તમે ખૂબ જ સરળતાથી ઘરે પાણીપુરી તૈયાર કરી શકો છો.

રવા ની પુરી બનાવવા માટેની સામગ્રી

 • બારીક રવો – ૧.૨૫ કપ (૨૦૦ ગ્રામ)
 • ઘઉંનો લોટ – ૧ કપ
 • મીઠું – સ્વાદ અનુસાર
 • બેકિંગ પાઉડર – ૧ ચપટી
 • પાણી – લોટ ગુંથવા માટે
 • તેલ – પુરી તળવા માટે

પાણીપુરી બનાવવા માટેની સામગ્રી

 • કોથમીર – ૧ કપ
 • ફુદીના – ૧ કપ
 • લીલું મરચું – ૫ થી ૬
 • આદું – ૧ નાનો ટુકડો
 • આંબલીનું પાણી – ૧ કપ
 • લીંબુ – ૩
 • સંચળ – ૧ મોટી ચમચી
 • તીખા પાઉડર – ૧ મોટી ચમચી
 • જીરા પાઉડર – દોઢ મોટી ચમચી
 • ધાણાજીરું પાઉડર – ૧ મોટી ચમચી

પાણીપુરી ભરવા માટેની સામગ્રી

 • સફેદ વટાણા – ૫ કપ (બાફેલા)
 • ધાણાજીરું પાઉડર – ૧ મોટી ચમચી
 • જીરા પાઉડર – ૧ મોટી ચમચી
 • લાલ મરચું – ૧ મોટી ચમચી
 • કાળું મીઠું – ૧ મોટી ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

રવા ની પાણીપુરી બનાવવાની રેસીપી

રવા ની પાણીપુરી બનાવવા માટે સૌથી પહેલાં તમારે એક વાસણમાં રવો, ઘઉંનો લોટ, મીઠું અને બેકિંગ પાઉડર યોગ્ય રીતે મિક્ષ કરી લેવું. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખીને તેને ગૂંથી લેવું. મખમલના ભીના કપડાથી ઢાંકીને અડધો કલાક માટે ફુલવા માટે છોડી દેવું. ત્યારબાદ એક કઢાઈને ગેસ પર ચડાવો અને તેમાં તેલને ગરમ થવા દો. જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી પાણીપુરીની પુરી વણીને બનાવી રાખો. ગરમ તેલમાં એક એક કરીને એક સાથે ૩ થી ૪ પુરી તળો. તેને બંને તરફથી યોગ્ય રીતે તળી લો. બાકીની બધી જ કરીને આ રીતે તેલમાં તળી લેવી.

પાણીપુરીનું પાણી બનાવવા માટે

પાણીપુરીનું પાણી બનાવવા માટે કોથમીર, ફુદીના, લીલું મરચું, આદુ, લીંબુનો રસ અને આમલીનું પાણી એક સાથે લઈને મિક્સરમાં તેને મિક્સ કરી લો. મિક્સર માંથી તેને કાઢીને ગાળી લેવું. એમાં જીરા પાવડર, મીઠું, સંચળ નાખીને યોગ્ય રીતે મિક્સ કરી લો. જો તમને ખાટુ ખાવાનું પસંદ હોય તો લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો. તેમાં એક લીટર ઠંડું પાણી નાખો. હવે તમારું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે.

પાણીપુરી ભરવા માટે

ડુંગળીને બારીક સમારી લેવી અને કુકરમાં વટાણામાં થોડું મીઠું નાખીને ચડાવી દો. ૩ સીટી બાદ કુકરને ઉતારી લેવું અને વટાણાને ઠંડા થવા દેવા. હવે રવા ની પાણીપુરી લઈને તેમાં વચ્ચે નાનું કાણું કરી દો. તેમાં ડુંગળી અને થોડું મસાલો ભરો. હવે તેમાં પાણી નાખો અને બસ મોઢામાં મુકી દો.