સ્કુલમાં ચાલતા ઓનલાઇન શિક્ષણથી બાળકોને ફાયદો થશે કે નુકશાન?

લોકડાઉન દરમિયાન ઓનલાઈન અભ્યાસ શરૂ થવાથી પ્રાઇવેટ સ્કુલ અને વાલીઓ તેના ફાયદા અને નુકસાનને લઇને અલગ-અલગ વહેંચાઈ ગયા છે. ઘણા પ્રાઇવેટ સ્કૂલના પ્રિન્સિપાલ તથા શિક્ષકો ઓનલાઇન શિક્ષણનાં ફાયદા ગણાવીને તેને ભવિષ્ય માટેની તૈયારીઓ માટે જરૂરી બતાવી રહ્યા છે. વળી વાલીઓ તેને ઉતાવળમાં લેવામાં આવેલ પગલું જણાવી રહ્યા છે. વાલીઓનું માનવું છે કે ઓનલાઇન અભ્યાસ માટે હાલમાં બાળકો તૈયાર નથી. ઘણા વાલીઓ તો ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી સંસાધનો પણ એકઠા કરી શકતા નથી.

દિલ્હીમાં રહેવાવાળી અનિતા સિંહ (નામ બદલ્યું છે)નો દીકરો એક પ્રાઇવેટ સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. કોરોના વાયરસને કારણે આજકાલ સ્કૂલ બંધ છે, તો તેના દીકરાને સ્કૂલથી ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. એક તરફ અનિતા ખુશ છે કે સ્કૂલ બંધ હોવા છતાં પણ દીકરાનો અભ્યાસ ચાલી રહ્યો છે, તો બીજી તરફ તેને ચિંતા પણ છે કે બાળકને ૪ થી ૫ કલાક મોબાઇલ લઈને બેસવું પડે છે.

તે કહે છે કે સામાન્ય રીતે તો બાળકોને મોબાઈલ થી દુર રાખવામાં આવે છે, પરંતુ અત્યારે બાળકોને અભ્યાસ માટે મોબાઈલનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે. ત્યારબાદ તે ટીવી પણ જુએ છે, તો તેનો સ્ક્રીન ટાઇમ વધી જાય છે, જેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડે છે. આજકાલ માતાપિતા આવી ઘણી બધી દુવિધાઓ માંથી જ પસાર થઇ રહ્યા છે. બાળકોનો અભ્યાસ પણ જરૂરી છે અને સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ મહત્વનું છે. તેની સાથે ઓનલાઇન શિક્ષણથી બાળકને કેટલું સમજમાં રહ્યું છે તે પણ જોવું જરૂરી છે. હકીકતમાં કોરોના વાયરસનાં સંક્રમણને કારણે માર્ચ મહિનાથી જ સ્કૂલ બંધ કરી દેવામાં આવેલ છે. હવે તે વાતની પણ જાણકારી નથી કે સ્કૂલ ક્યારે ખુલશે અને ક્યારે નવા અભ્યાસક્રમ શરૂ થઈ શકશે.

તેવામાં ઓનલાઇન ક્લાસીસ આપીને બાળકોને નવો અભ્યાસક્રમ શીખવવાનું શરૂ થઇ ચૂક્યું છે સ્કૂલોનું એવું પણ કહેવું છે કે ઓનલાઇન ક્લાસીસમાં જે અભ્યાસક્રમ કરાવવામાં આવે છે તે બાદમાં પુનરાવર્તન કરવામાં નહીં આવે. ઓનલાઇન ક્લાસીસમાં બાળકોને ૨ કલાકથી લઈને ૪ કલાક સુધી અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. જેમાં દરેક વિષયના ૪૦ થી ૪૫ મિનિટ સુધી ક્લાસ ચાલે છે અને આ ક્લાસ ખતમ થયા બાદ ૧૫ મીનીટનો બ્રેક આપવામાં આવે છે. બાળકો આ ક્લાસીસ મોબાઇલ અથવા લેપટોપ પર વિડીયો કોલ દ્વારા લઇ રહ્યા છે, જેનાથી તેમને લાંબો સમય સુધી સ્ક્રીન જોવી પડે છે અને તેમનો સ્ક્રીન ટાઇમ વધી જાય છે.

શું હોય છે સ્ક્રીન ટાઇમ?

ડોક્ટર કહે છે કે બાળકોને લાંબા સમય સુધી મોબાઈલ અથવા લેપટોપનાં સંપર્ક માં રહેવાથી માનસિક અને શારીરિક રીતે અસર થઈ શકે છે. તે અસર શું હોય છે તે પહેલા જાણીએ કે સ્ક્રીન ટાઈમ શું હોય છે. સ્ક્રીન ટાઇમનો મતલબ છે કે બાળક ૨૪ કલાકમાં કેટલા કલાક મોબાઈલ ટીવી લેપટોપ અને ટેબલેટ જેવા ગેઝેટનાં ઉપયોગ માં સમય પસાર કરે છે. અમેરિકન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા બાળકોના સ્ક્રીન ટાઇમ સંબંધમાં અમુક દિશાનિર્દેશ રજુ કરવામાં આવેલ છે, જેના અનુસાર –

 • ૧૮ મહિનાથી ઓછી ઉંમરના બાળકો સ્ક્રીનનો ઉપયોગ ના કરે.
 • ૧૮ થી ૨૪ મહિના ના બાળકોને માતા-પિતા ઉચ્ચ ગુણવત્તા વાળા પ્રોગ્રામ જ બતાવે.
 • ૨ થી ૫ વર્ષના બાળકો ૧ કલાકથી વધારે સ્ક્રીનનો ઉપયોગ કરે નહીં.
 • ૬ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના બાળકોને સ્ક્રીન જોવાનો સમય સીમિત હોય. સાથોસાથ તેઓ ગેજેટ પર બીજું શું જોઈ રહ્યા છે તેના પર માતા-પિતાએ ધ્યાન આપવું જોઈએ. તે સુનિશ્ચિત કરો કે બાળકો ટીવી, મોબાઇલ અથવા લેપટોપ પર એટલો સમય પસાર ન કરે કે તેમની પાસે ઊંઘ, ફિઝિકલ ઍક્ટિવિટી અને અન્ય જરૂરી કામો માટે સમય ઓછો પડે.

બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર

સ્ક્રીન ટાઇમ વધવાથી મનોરોગ વિશેષજ્ઞ ડોક્ટર કહે છે કે અમુક અધ્યયન અનુસાર જો બાળકો અથવા કિશોર ૬ અથવા ૭ કલાકથી વધારે સ્ક્રીન પર રહે છે, તો તેમના પર મનોવૈજ્ઞાનિક અસર થઈ શકે છે. તેનાથી તેમનામાં આત્મનિયંત્રણ નો અભાવ, જિજ્ઞાસા નો અભાવ, ભાવનાત્મક સ્થિરતાનો અભાવ, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા, સરળતાથી મિત્રો બનાવવામાં સક્ષમ ન હોવું વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. જોકે તે એ બાબત ઉપર પણ નિર્ભર કરે છે કે તે સ્ક્રીન પર શું જુએ છે ફિલ્મ, વિડીયો, ગેમ, સોશિયલ મીડિયા જોઈ રહ્યો છે કે કંઈક વાંચી રહ્યો છે. તેની અસર બાળકો અનુસાર અલગ અલગ હોઈ શકે છે.

ડોક્ટર કહે છે કે એ સમજવું પણ જરૂરી છે કે ઓનલાઈન ક્લાસીસમાં જે અભ્યાસ કરવામાં આવે છે તે બાળકોને કેટલો સમજમાં આવી રહ્યો છે. જેમ કે સામાન્ય રીતે નોર્મલ અટેન્શન સ્પેન ૨૦ થી ૩૦ મિનિટ હોય છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આટલો સમય સુધી કામ પર સારી રીતે ફોકસ કરી શકે છે. આ મર્યાદા વધુમાં વધુ ૪૦ મિનિટની હોઈ શકે છે. ત્યારબાદ ધ્યાન ભટકવાનું શરૂ થઈ જાય છે. એટલા માટે સ્કૂલોની કક્ષાઓ પણ ૩૦ થી ૪૦ મિનિટ સુધીની હોય છે અને ત્યારબાદ બ્રેક આપવામાં આવે છે.

આ સિવાય સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલીઓ દ્વારા પણ ઓનલાઇન અભ્યાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન ક્લાસીસને કારણે વાલીઓને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાલીઓ દ્વારા ઓનલાઇન અભ્યાસના જે નુકસાન બતાવવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

 • વાલીઓ ઓનલાઇન અભ્યાસને સ્કૂલ તરફથી ફક્ત ફી લેવા માટેનું માધ્યમ જણાવી રહ્યા છે.
 • ઓનલાઇન અભ્યાસમાં વચ્ચે નેટવર્ક સંબંધી સમસ્યાઓને કારણે બાળકોને પરેશાની થઇ રહી છે.
 • ઓનલાઇન અભ્યાસમાં વાલીઓએ નાના બાળકોની સાથે બેસવું અનિવાર્ય બની જાય છે, જેનાથી વાલીઓનો સમય બરબાદ થાય છે.
 • વાલીઓનો આક્ષેપ છે કે સ્કુલ પોતાની જવાબદારી ઓનલાઇન શિક્ષણ દ્વારા વાલીઓ પર નાખી રહ્યું છે.
 • ઓનલાઇન અભ્યાસમાં સ્કૂલનું વાતાવરણ ન હોવાને કારણે બાળકોનુ મન અભ્યાસમાં લાગતુ નથી.
 • વાલીઓની ચિંતા છે કે ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખો તથા તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડશે.
 • અચાનક શરૂ થયેલ ઓનલાઇન અભ્યાસને કારણે ઘણા વાલીઓ તેના માટેના સંસાધનો એકઠા કરી શક્યા નથી.
 • પ્રયોગાત્મક અભ્યાસ માટે ઓનલાઇન શિક્ષણ સફળ સાબિત થઇ રહ્યું નથી.

સાથોસાથ મોટાભાગની પ્રાઇવેટ સ્કુલ દ્વારા પુરી ફી માંગવામાં આવી રહી છે. વળી વાલીઓનું કહેવું છે કે સ્કૂલ બંધ હોવાને કારણે સ્કૂલને ભોજન અને ટ્રાન્સપોર્ટેશનનાં ખર્ચમાં તો બચત થાય છે, તેની સાથોસાથ સ્કૂલમાં ક્લાસ ચાલતાં ન આવવાને કારણે વીજળીના બીલ માં પણ સ્કૂલને ફાયદો થાય છે. તે સિવાય સ્કૂલની વાર્ષિક ફી માં ભોજન, ટ્રાન્સપોર્ટેશન, વીજળી, વાર્ષિક કાર્યક્રમો, ટ્યુશન ફી વગેરેનો ખર્ચ લેવામાં આવતો હોય છે. જ્યારે હાલના સમયમાં તેમાંથી મોટાભાગની સેવાઓ વિદ્યાર્થીઓને મળતી નથી તેમ છતાં પણ મોટાભાગની સ્કૂલ દ્વારા પુરી ફી માંગવામાં આવી રહી છે.

વળી સામાન્ય સંજોગોમાં સ્કૂલનો સમય ૫ થી ૭ કલાકનો હોય છે, જ્યારે ઓનલાઇન શિક્ષણમાં અત્યારે વિદ્યાર્થીઓને ફક્ત ૨ થી ૪ કલાક જ અભ્યાસ કરવામાં આવે છે. આવા સંજોગોમાં સ્કૂલ દ્વારા પુરી માંગવી પણ યોગ્ય નથી. વળી લોકોનું કહેવું છે કે લાંબા સમયથી લોકડાઉન હોવાને કારણે બધા જ ધંધા રોજગાર બંધ હતા. જેથી લોકડાઉન ના સમયમાં લોકો આર્થિક પરેશાની માંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયમાં જે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા ફી માંગવામાં આવી રહી છે, તેઓ માનવતા નેવે મુકી રહ્યા હોવાની પણ લોક ચર્ચા થઈ રહી છે.