શું વેક્સિન આવ્યા બાદ આપણને કોરોના વાઇરસથી સંપુર્ણ રીતે છુટકારો મળી જશે?

કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં ૧.૫ કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને ૬.૧૫ લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. દરેક વ્યક્તિની નજર ફક્ત તેની વેક્સિન પર ટકેલી છે અને લોકો ખૂબ જલ્દી તેને તૈયાર થવાની આશા રાખીને બેઠા છે. તેની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું વેક્સિન આવ્યા બાદ કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે? તો ચાલો તેના વિશે થોડી બાબતો પર નજર ફેરવીએ.

કેવી રીતે કામ કરે છે વેક્સિન

વેક્સિન દ્વારા આપણા ઇમ્યુન સિસ્ટમ માં અમુક મોલિક્યુલ્સ મોકલવામાં આવે છે. સામાન્ય રીતે આ મોલિક્યુલ્સ કમજોર અથવા નિષ્ક્રિય વાયરસ અથવા તેનો કોઇ ભાગ હોય છે. જ્યારે આ મોલિક્યુલ્સ આપણા શરીરમાં દાખલ થાય છે, તો આપણી ઇમ્યુન સિસ્ટમ તેને અસલી વાયરસ સમજીને કામ કરવાનું શરૂ કરી દે છે. હવે આગળ જ્યારે અસલી વાયરસ શરીર પર હુમલો કરે છે, તો પહેલાથી જ તૈયાર ઇમ્યુન સિસ્ટમ તેની ઓળખ કરી લે છે અને તેને મારી નાખે છે.

આવી રીતે કામ કરે છે આપણો ઇમ્યુન સિસ્ટમ

વાઈરસની વિરૂદ્ધ લડાઈમાં આપણાં ઇમ્યુન સિસ્ટમનાં બે અંગ એન્ટિબોડીઝ અને ટી-સેલ સૌથી મહત્વના છે. એન્ટિબોડીઝ એક પ્રકારનું પ્રોટીન હોય છે, જે વાયરસ ની સપાટી સાથે ચોટી જાય છે, જેના કારણે વાયરસ શરીરની કોશિકાઓ સાથે જોડાઈ શકતો નથી અને નષ્ટ થઈ જાય છે. વળી ટી-સેલ સંક્રમિત થઇ ચૂકેલ કોશિકાઓને મારવાનું કામ કરે છે, જેથી સંક્રમણ શરીરમાં ફેલાઇ શકે નહીં. એન્ટિબોડીઝ પહેલા ડિફેન્સ અને ટી-સેલ્સ બીજા ડિફેન્સના રૂપમાં કામ કરે છે.

લાંબા સમય સુધી વાઇરસને યાદ રાખે છે ટી-સેલ્સ

જો કોઈ વેક્સિનને પ્રભાવકારી સાબિત થવું હોય અને લાંબા સમય સુધી વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી પેદા કરવી હોય તો જરૂરી છે કે તે શરીરમાં એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ બંનેને પેદા કરે. લાંબા સમયની ઇમ્યુનિટી માટે ટી-સેલનું નિર્માણ મહત્વનું છે. કારણ કે સામાન્ય રીતે એન્ટિબોડીઝ અમુક સમય બાદ જ નષ્ટ થઈ જાય છે, જ્યારે ટી-સેલ લાંબા સમય સુધી વાયરસને યાદ રાખે છે. કોઈપણ વાયરસ વિરુદ્ધ ઈમ્યૂન સિસ્ટમને ટ્રેનિંગ આપવા માટે ટી-સેલ્સ બનવા જરૂરી છે.

જેટલો લાંબો સમય સુધી રહેશે ઇમ્યુનિટી, મહામારી થી છુટકારો તેટલો સરળ

કોરોના વાયરસ મહામારી થી છુટકારો મળશે કે નહીં તે ખૂબ જ હદ સુધી તે વાત પર નિર્ભર કરશે કે વેક્સિન કેટલા લાંબા સમય સુધી વાયરસ સામે ઇમ્યુનિટી પેદા કરે છે અને ટી-સેલ્સ પેદા કરે છે કે નહીં.

એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ બંને પેદા કરવામાં સફળ રહી કોરોના વાયરસની વેક્સિન

સારી વાત એ છે કે આ રેસમાં આગળ ચાલી રહેલ કોરોના વાયરસની વેક્સિનથી શરીરમાં એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ બંને પેદા થઈ છે. આ સોમવારે પ્રકાશિત થયેલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં પહેલા સ્ટેજનાં પરિણામો સામે આવ્યા હતા કે શરીરમાં એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ બંને પેદા થયા છે. વળી અમેરિકાની મોડર્ના કંપની અને ચીનની કૈનસાઈનો બાયોલોજીકસ કંપનીની વેક્સિન પણ શરીરમાં એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ પેદા કરવામાં સફળ રહી છે.

ઉત્સાહજનક પરિણામ, પરંતુ…

અત્યાર સુધીના પરિણામોના આધારે કહી શકાય છે કે કોરોના વાયરસની વેક્સિન લાંબા સમય સુધી ઇમ્યુનિટી પ્રદાન કરવામાં સફળ બની શકે છે. જોકે તેના વિશે કંઈ સ્પષ્ટ કહેવું હજુ પણ ઉતાવળ રહેશે અને જે લોકોને વેક્સિન લગાવવામાં આવશે, તે લોકો પર વર્ષો સુધી નજર રાખ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. એક રિસર્ચમાં ૩ મહિનાની અંદર એન્ટિબોડીઝ ખતમ થવાની વાત પણ સામે આવી છે. જોકે હજુ વધારે રિસર્ચની જરૂરિયાત છે.

ફ્લુ જેમ મનુષ્યની વચ્ચે રહી શકે છે કોરોના વાયરસ

અમેરિકન જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર દુનિયાને પહેલા જેવી સ્થિતિમાં લાવવા માટે વેક્સિન ૭૦ થી ૮૦ ટકા પ્રભાવકારી હોવી જરૂરી છે. જોકે તેનાથી ઓછી પ્રભાવી વેક્સિન પણ નિયમોની સાથે અસરદાર સાબિત થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવ્યા હતા કે વાયરસ સમયની સાથે બદલાવ કરતો રહેશે અને તેનો સંપૂર્ણ રીતે નાશ કરવો મુશ્કેલ બની શકે છે. પણ તે સાધારણ ફ્લુની જેમ મનુષ્યની વચ્ચે રહી શકે છે.