સુરતથી વતનમાં જવા માટે ખાનગી બસ સંચાલકો દ્વારા અધધ ભાડું નક્કી થયું હોવાની વાત સામે આવી

સુરત શહેરમાં વસતા રત્નકલાકારો માટે પોતાના વતનમાં જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. જેની જાહેરાત ગણપત વસાવાએ ૫ મે મંગળવારનાં રોજ કરી હતી. જેના માટે રત્નકલાકારોએ વતનમાં જવા માટે કલેકટર પાસે ઓનલાઇન મંજૂરી લેવાની રહેશે. ઓનલાઇન મંજૂરી માટેની પ્રક્રિયા બુધવારના રોજથી શરૂ કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારોને લઈ જવા માટે સરકાર દ્વારા ખાનગી બસો ને પરવાનગી આપવામાં આવી છે. ખાનગી બસ સંચાલકોએ પણ કલેકટર પાસેથી મંજૂરી લેવાની રહેશે. સુરતથી વતનમાં જવા માટે ઓલપાડ અને દેલાડ પાસે ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. જ્યાં બસમાં મુસાફરી કરી રહેલી તમામ મુસાફરોનો સ્ક્રીનિંગ કરવામાં આવશે. તેવામાં જો કોઈ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણો જણાશે તો તેને સુરત છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

વતનમાં જતા લોકોએ ફરજિયાત ૧૫ દિવસ હોમ ક્વોરંટાઈનમાં રહેવાનું રહેશે તથા ત્યારબાદ ૩૦ દિવસ સુધી વતનમાં પોતાના ઘરે રહેવાનું રહેશે. એટલે કે તેઓ ૪૫ દિવસ સુધી પોતાનું વતન છોડી શકશે નહીં.

ખાનગી બસોને પરવાનગી મળી હોવાથી બસ સંચાલકો આ તકનો ભરપૂર ગેરલાભ લઇ રહ્યા છે. ખાનગી બસ સંચાલકો માનવતા નેવે મૂકીને સુરતથી વતનમાં જવા માંગતા રત્ન કલાકારો પાસેથી ખૂબ જ વધારે પડતું ભાડું લેવાનું નક્કી કર્યું હોવાનું વાત સામે આવી રહી છે. ખાનગી બસ સંચાલકો આવા કપરા સમયમાં લોકોની મદદ કરવાને બદલે તકનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, જેને લઇને પણ લોકોમાં રોષ પ્રગટ થઈ રહ્યો છે.

ખાનગી બસ સંચાલકો દ્વારા સુરત થી વતનમાં જવા માટે ૪૦૦ કિલોમીટર સુધીના ૧,૦૦૦ રૂપિયા, ૫૦૦ કિલો મીટર સુધીના ૧,૨૦૦ રૂપિયા અને ૫૦૦ થી વધુ કીલોમીટર માટેના ૧,૫૦૦ રૂપિયા જેવું અધધ ભાડું નક્કી કર્યું હોવાની વાત સામે આવી રહી છે. જેને લઇને લોકોમાં રોષની લાગણી ઊભી થઈ હતી. હાલમાં નોકરી ધંધા વગરના લોકો આટલું ભાડું કઈ રીતે ચૂકવી શકે તેને લઇને પ્રશ્નો ઊભા થયા હતા.

આ બાબતની જાણ ભાજપના મંત્રી કુમાર કાનાણીને થતા તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને લોકો માટે સરકારી બસ ચાલુ કરવાની માંગણી કરી હતી. તેમની આ માંગણીને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સુરતથી વતનમાં જવા માગતા લોકો માટે હવે સરકારી બસ ચાલુ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જેમાં લોકો પાસેથી દિવાળીના સમયમાં લેવામાં આવતું સામાન્ય ભાડું લેવામાં આવશે.

વધુમાં કુમાર કાનાણી એ કહ્યું હતું કે રત્ન કલાકારોને વતન પરત મોકલવા માટે એસટી વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તમામ એસટી બસને સેનિટાઈઝ કરી લેવામાં આવી છે. જેથી લોકોમાં કોરોના સંક્રમણ ફેલાઈ નહીં. આવી બધી તૈયારીઓ એસટી વિભાગ દ્વારા અગાઉથી જ કરી લેવામાં આવી છે. ખુબ જ જલ્દી ઓનલાઇન મંજૂરી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે.