૧૭ મે બાદ ક્યાં નિયમો સાથે ક્યાં-ક્યાં ધંધાઓ ખુલી શકે છે? પાન-બીડીનાં ગલ્લા અને હેર સલૂન ખુલશે?

કોરોના વાયરસની ચેઇનને તોડવા માટે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ૧૭ મેના રોજ એટલે કે આજે લોકડાઉનનું ત્રીજું ચરણ ખતમ થવા જઈ રહ્યું છે. સાથોસાથ ૧૮ મે થી લોકડાઉન ૪.૦ ની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ૧૮ મે બાદ લોકડાઉન નવા રૂપરંગમાં રજૂ કરવામાં આવશે. આ વખતે લોકડાઉન નવા નિયમોની સાથે આવશે.

તેમણે કહ્યું હતું કે ૧૮ મે પહેલા લોકડાઉન ૪.૦ ને લઈને જાણકારી શેયર કરવામાં આવશે. એટલે કે ૧૮ મે પહેલા લોકડાઉન ૪.૦ સંપૂર્ણ ગાઇડલાઇન રજૂ કરવામાં આવશે. જણાવી દઈએ કે લોકડાઉનને અંદાજે ૫૦ દિવસ પૂરા થવાના છે. જરૂરિયાતની સેવાઓને બાદ કરતા દેશભરમાં લગભગ બધું જ બંધ પડેલું છે. હવે સરકાર ધીરે ધીરે સામાન્ય જીવનને ગતિમાં લાવવાની કોશિશ કરી રહી છે. ૧૮ મે થી ઘણી ચીજોમાં બદલાવ થશે, આ વાતનો સંકેત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં આપ્યો હતો.

જાણકારોનું માનવામાં આવે તો આ વખતે લોકડાઉનમાં વધારે છૂટછાટ મળી શકે છે. જોકે રેડ ઝોનમાં વધુ કડક નિયમો કરવામાં આવી શકે છે. પરંતુ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં થોડી વધુ દુકાનોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી શકે છે. કારણ કે સરકાર હવે અર્થવ્યવસ્થાને ગતિમાં લાવવાની તૈયારી કરી રહી છે.

ગુજરાત સરકાર હાલમાં મેં બાદ શું કરવું તેની બ્લુ પ્રિન્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ બ્લુ પ્રિન્ટ માં કયા ધંધાને ખોલવાની પરવાનગી આપવામાં આવે અને કયા નિયમો સાથે તેને ખોલવા, તેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. વધુમાં લોકડાઉન બાદ શહેરની અંદર પ્રવેશ માટેની ચેકપોસ્ટ પર વધારે સઘન ચેકિંગ કરવામાં આવી શકે છે. લોકડાઉન ૪.૦ માં અમુક જગ્યાઓ હજુ પણ બંધ રહેશે જેમકે સિનેમાગૃહ, મોલ્સ, ધાર્મિક સ્થળો વગેરેને હજુ પણ બંધ રાખવામાં આવશે.

પાન-બીડીનાં ગલ્લા અને હેર સલૂન અંગે વિચારણા

વળી હાર્ડવેર, પ્લમ્બર, સિમેન્ટ વિક્રેતાઓ વગેરેની દુકાન ખોલવાની ચર્ચા વિચારણા ચાલી રહી છે. મોટાભાગના ધંધાને સવારે ૭ વાગ્યાથી લઈને સાંજના ૫ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી શકે છે. પાન-બીડીનાં ગલ્લા તેમજ હેર સલૂનને ખોલવા વિશેની ચર્ચા વિચારણા હજુ ચાલી રહી છે જેને લઈને હાલમાં સરકાર તરફથી કંઇ સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી.

ખુલી શકે છે ચા રેસ્ટોરન્ટ મિઠાઇ અને કપડાંની દુકાન

તમને જણાવી દઈએ કે સરકાર લોકડાઉનમાં ચરણબદ્ધ રીતે છૂટછાટ આપવાની યોજના બનાવી રહી છે. લોકડાઉન ૩.૦ માં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં અમુક શરતોની સાથે ઘણી દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. આ વખતે સરકાર ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં મર્યાદિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પરવાનગી આપી શકે છે. આ વખતે ચા રેસ્ટોરન્ટ મીઠાઈ કપડાં વગેરેની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી શકે છે.