આટલી સાવધાની નહીં રાખો તો આપનો સ્માર્ટ ફોન બની શકે છે જીવલેણ

આજકાલ મોબાઇલ ફોન સ્માર્ટ મિત્રની સમાન આપણો સાથી બની ગયો છે.  મોબાઇલ ફોન દરેકનાં જીવન સાથે વણાઈ ગયો છે. પરંતુ આપણે જો આટલી સાવચેતી નહીં રાખીશું તો સ્માર્ટ મોબાઇલ ફોન આપણો જીવ લઈ શકે છે. મતલબ કે, એનો દુરુપયોગ સાઇલેન્ટ કિલરમાં પરિવર્તિત થઈ શકે છે. ઘાતક ઇબોલા વાયરસ કરતાય આપણો સ્માર્ટ ફોન મહામારી ફેલાવવા સમર્થ છે. કેવી રીતે તે હવે ધ્યાનથી વાંચો.

સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બનવાની ઘટનાઓ, પ્રાઇવસી અને સિક્યોરિટી સમસ્યા વગેરે આપણી બેદરકારીનું પરિણામ છે. એક સર્વેક્ષણ અનુસાર 86 ટકા લોકોએ મોબાઇલ વાપરતી વેળાએ ઠોકર, પડી જવાથી કે અન્ય કારણોસર સહન કરવું પડ્યું હતું.

જાણો સાવચેતી રાખનારી ટ્રીપ.

ઘણાંને એવો વહેમ હોય છે કે, હું કાબેલ ડ્રાઇવર છું. એવાં ટેક્ષ્ટ મેસેજ મોકલવાં થોડી સેકંડ સડક ઉપરથી નજર હટાવી લે છે. પરંતુ કઠોર વાસ્તવિકતા એ છે કે, દર ચાર દુર્ઘટના પૈકી એક આવાં કારણોથી થાય છે. એક અધ્યયન અનુસાર, ડ્રાઇવિંગ કરનાર 98 ટકા આવાં જોખમોથી પરિચિત હોય છે. ” ટેક્ષ્ટ મેસેજ કરવો એ મારાં  ડાબા હાથનો ખેલ છે” એવું સમજનાર  ‘ડ્રાઇવર’ અંતે થાપ ખાઈ જાય છે. મોટાભાગે આવી દુર્ઘટનાનો રાહદારીઓ ભોગ બની જતાં હોય છે.

બેટરી ગરમ થવી : તમારાં સ્માર્ટ ફોનની આધુનિક લિથિયમ-આયન બેટરી સર્વાધિક લોકપ્રિય છે. જે ફાટવાની ક્ષમતા ધરાવે છે. ચાર્જીંગ દરમિયાન બેટરી ફાટવાનાં સમાચાર આપણે અખબારોમાં વાંચીએ છીએ. છતાં ચાર્જીંગ વખતે આપણે ફોન પર વાત કરવાનું ટાળતા નથી.

રેડિયેશનનો ખતરો : સ્વિડનમાં એક સમૂહ પર થયેલા અધ્યયન વખતે જણાયું હતું જેમાં ફોન પર સતત વાત કરનારને ટ્યુમર થવાનું જોખમ વધી જાય છે.

ચાલતી વખતે વોટસએપ ચેક કરવાં કે ટેક્ષ્ટ મોકલી વખતે સીડી ઉપરથી પડી જવાનો ભય : આવું તો આપણે હંમેશા સમાચારોમાં વાંચીએ છીએ. એજ રીતે સેલ્ફી લેવાનાં ઉત્સાહમાં કોમનસેન્સની સાથે જીવ ગુમાવનારની સંખ્યા પણ વધતી જાય છે.

તમે જાણો છો કે, પાણી ભરેલા ટબની પાસે હેયર ડ્રાયરનો ઉપયોગ કરવો કેટલો જોખમી છે. ઘણાં લોકોનાં મોત બાથટબમાં ચાર્જીંગ ઉપર મૂકેલ આઇફોન પડી જવાને કારણે થયાનું નોંધાયું છે.

સડક અને રેલવે ટ્રેક પસાર કરતી વખતે : આ સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર બેદરકાર રહે તો જીંદગી ગૂમાવી બેસે છે. મુંબઈની લોકલ દુર્ઘટનામાં સૌથી વધું મોત કાનમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થાય છે.

મોબાઇલ ગેમ્સનો શિકાર યુવાધન : સ્માર્ટ ફોન પર ગેમ ખેલવામાં મોતનો શિકાર થનાર તરૂણ અને યુવાનોના સમાચારો મિડીયામાં ચમકે છે. બ્લુ વ્હેલ અને પબ્જી ગેમ્સ જેવી ખતરનાક રમતોથી આત્મહત્યા કરી લેવાની ઘટનાઓ પણ એટલી જ બને છે

સોશિયલ મીડિયા યુવાનો માટે જીવનનો જાણે એક હિસ્સો બની ગયો છે. મોટાભાગનાં લોકો સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યાં રહે છે. એમને એ ખબર રહેતી નથી કે, આપણી જીંદગીમાં એનો શું પ્રભાવ પડી રહ્યો છે, સકારાત્મક કે નકારાત્મક….

વાસ્તવિકતા એ છે કે, યુવાપેઢી પોતાની આભાસી દુનિયામાં મસ્ત છે. જાણે તેઓ ફેસબુક, વોટસએપ, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામની નવી દુનિયામાં વસે છે. સોશિયલ મીડિયા ઉપરથી નકારાત્મક વાતાવરણ પેદા થવાથી યુવાનો ડિપ્રેશન તરફ વળી જાય છે અને આત્મહત્યાને મોકળાશ મળે છે.

લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)