શાંત મન જીવનની કોઈપણ સમસ્યા ઉકેલી શકે છે, વિશ્વાસ ના આવે તો વાંચો આ સ્ટોરી

એક ગામમાં એક અમીર માણસ રહેતો હતો. એક દિવસ તેની ઘડિયાળ ઘાસના વાડામાં ખોવાઈ જાય છે. ઘડિયાળ ખુબ જ મોંઘી હતી તેથી તે માણસે ઘડિયાળની ખુબ શોધખોળ કરી પણ તેને ઘડિયાળ ના મળી. આખરે તે કંટાળીને પોતાના ઘરે આવી ગયો. ઘરે આવી ને જોયું કે ત્યાં એના ઘરની બહાર ઘણા છોકરાઓ રમી રહ્યાં હતાં. ઘણા બધા છોકરાઓ ને જોતા તેના મનમાં વિચાર આવ્યો કે, કદાચ હું એકલો ઘડિયાળ ના શોધી શકું પરંતુ આટલા બધા છોકરાઓ છે જેને કહીશ તો બધા છોકરા મળીને ઘડિયાળ શોધશે તો કદાચ ઘડિયાળ મળી જાય.

તે માણસે બધા છોકરાઓ ને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે, જે છોકરો મને મારી ઘડિયાળ પેલા વાડા માંથી શોધી દેશે. તેને મારી પાસે થી જે ઈનામ જોઈએ એ હું આપીશ. બધા જ છોકરાઓ ઇનામની લાલચમાં ત્યાં વાડામાં ઘડિયાળ શોધવાં લાગ્યાં. ઘણો ટાઈમ શોધવા છતાં ઘડિયાળ ના મળી. બધા જ છોકરાઓ વાડાની બહાર આવી ગયાં. છોકરાઓ થી પણ તે ઘડિયાળ ના મળતાં તે માણસ નિરાશ થઈ ગયો.

આખરે તે છોકરાઓ માંથી એક છોકરાએ અમીર માણસને કહ્યું કે, “હું ઘડિયાળ શોધી લાવીશ પરંતુ મારી એક શરત છે. અમીર માણસ બોલ્યો, ” બોલ, શું શરત છે ?” છોકરો બોલ્યો, ” બધા છોકરાએ અને તમારે વાડાથી દુર ઉભુ રહેવું પડશે. અમીર માણસ તેની શરત માની લીધી અને બધા છોકરાને લઈને તે વાડાથી થોડો દુર જતો રહ્યો.

ત્યારબાદ પેલો છોકરો વાડાની અંદરથી અમીર માણસની કીમતી ઘડિયાળ લઈને બહાર નીકળ્યો. પેલા છોકરાના હાથમાં પોતાની ઘડિયાળ જોઈને અમીર માણસનાં આશ્ચર્યનો પાર ના રહ્યો અને તેણે પેલા છોકરાને પુછી લીધું કે, “આપણે બધા ઘડિયાળને ના શોધી શક્યા તો તે એકલાએ ઘડિયાળને કઈ રીતે શોધી કાઢી”? ત્યારે છોકરાએ જવાબ આપ્યો કે, મે કશું કર્યું નથી, ખાલી વાડામાં જઈને એકદમ શાંત બેસી ગયો અને ઘડિયાળનો અવાજ સાંભળવાની કોશિશ કરી કારણકે વાડામાં પણ શાંતિ હતી. મને તરત જ ઘડિયાળનો અવાજ સંભળાયો એટલે મે તે દિશામાં જઈને ઘડિયાળ શોધી કાઢી.

સાર : મગજ શાંત હશે તો તમે જીવનની કોઈપણ કઠિનમાં કઠિન સમસ્યા ઉકેલી શકો છો. દિવસમાં જો થોડો પણ સમય મળે તો આંખો બંધ કરીને શાંતિ થી બેસજો અને તમારા મગજને શાંત થવા દેજો. પછી જુઓ તે તમારી જીંદગી કેવી રીતે વ્યવસ્થિત કરી દે છે. જેમ આપણું શરીર આરામ કરીને વ્યવસ્થિત કામ કરી શકે છે. તેમ આપણું મગજ પણ આરામ કરીને સારું કામ કરી શકે છે.