કોરોનાની વેક્સિન તૈયાર કરવામાં અત્યાર સુધી કેટલો આગળ પહોચ્યો છે આપણો દેશ?

કોરોના વાયરસના વધતાં સંક્રમણ વચ્ચે બધા લોકોને કોરોના વાયરસની વેક્સિનની રાહ છે. દુનિયાના ઘણા દેશો અને ઘણી કંપનીઓ વાયરસની વેક્સિન બનાવવામાં લાગેલા છે. ભારતમાં પણ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સામાન્ય રીતે તો વેક્સિન બનાવવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ આ કોરોના સંકટમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો વર્ષોના આ કાર્યને અમુક મહિનામાં જ કરવા માટે જોડાયેલા છે.

દરરોજ નવી સવાર સાથે લોકોના મનમાં બસ એક જ સવાલ હોય છે કે કોરોના વાયરસની વેક્સિનને લઈને શું અપડેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન અનુસાર દુનિયાભરમાં ૧૦૦ થી વધારે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, જ્યારે ભારતમાં પણ ૩૦ થી વધારે વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને એક ટીવી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઇ વેક્સિન બનાવવા માટે વર્ષો લાગી જાય છે અને ૨૦ થી ૩૦ કરોડ ડોલર જેટલો ખર્ચો પણ થાય છે.

જોકે તેમણે કહ્યું હતું કે ખૂબ જ જલ્દી વેક્સિન તૈયાર કરવામાં આવે એટલા માટે સંશોધન અને ફંડ આપવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે વેક્સિનનું પરીક્ષણ જો યોગ્ય રીતે ચાલી રહી હોય, જેવું અત્યારે ચાલી રહ્યું છે અને તેના સારા પરિણામ આવવા લાગે જેમ કે અત્યારે આવી રહ્યા છે તો વેક્સિનને બજારમાં લાવવામાં ૮ મહિનાનો સમય લાગી શકે છે.

દેશમાં અંદાજે ૩૦ થી વધારે કોરોના વાયરસ વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પરંતુ બે મોટી કંપનીઓ હૈદરાબાદની ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા થી દેશભરના લોકોને આશા છે. બંને કંપનીઓ કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ભારત બાયોટેક કંપની ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ ની સાથે મળીને વેક્સિન વિકસિત કરી રહી છે. બીજી તરફ સીરમ ભાગીદારી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે થયેલ છે, જેણે ૩ મહિનામાં વેક્સિન તૈયાર કરવાનો દાવો કરેલ છે.

વેક્સિન તૈયાર કરવી એક લાંબી પ્રક્રિયા

વેક્સિન બનાવવાની પ્રક્રિયાનો સૌથી પ્રાથમિક હિસ્સો છે, કોઈપણ બીમારીના લક્ષણો જાણવા ત્યારબાદ તેના પર સંપૂર્ણ રિસર્ચ કરવામાં આવે છે. બીમારી અથવા સંક્રમણ નાના-મોટા લક્ષણો સમજ્યા બાદ બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી મોટો પડકાર હોય છે કે વેક્સિન એવી રીતે બનાવવામાં આવે કે બીમારી અથવા સંક્રમણને રોકવા માટે કાર્ય કરે.

તેના માટે સૌથી પહેલા જાનવર ઉપર વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવે છે અને ત્યારબાદ માનવ શરીર પર. બંને ચરણો ટ્રાયલમાં પાસ થયા બાદ જ વેક્સિન સામાન્ય લોકોના ઉપયોગ માટે મૂકવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ૮ મહિનાથી લઈને ૧ વર્ષનો સમય લાગી શકે છે. ઘણી વેક્સિન તૈયાર કરવામાં તો વર્ષો લાગી જાય છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી આશા

વાત કરીએ સીરમ ઇન્સ્ટિટયુટની તો કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે એક વેક્સિનની ૬૦ મિલિયન એટલે કે ૬ કરોડ ડોઝ ઉત્પાદન કરવા માટેની ભાગીદારી કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ઉત્પાદન અને વેચાણના હિસાબે દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસેથી માન્યતા પ્રાપ્ત કંપનીએ ક્લિનિકલ ટ્રાયલ બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ૨ કરોડથી વધારે વેક્સિનના ડોઝ તૈયાર કરવાનો દાવો કર્યો છે. કંપની પોતે પણ ૫ પ્રકારના વેક્સિન પર પ્રયોગ કરી રહી છે, જોકે પ્રક્રિયા હજુ લાંબી છે.

સંપૂર્ણ રીતે દેશી વેક્સિન તૈયાર થશે

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા હૈદરાબાદની કંપની ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને કોરોના વાયરસની વેક્સિન વિકસિત કરી રહી છે. ભારતીય વિષાણુવિજ્ઞાન સંસ્થાન, પુણેમાં રહેલા વાયરસના સ્ટ્રેનનો ઉપયોગ કરશે. પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોલોજી માં આઇસોલેટ કરીને રાખવામાં આવેલ કોરોના વાયરસના સ્ટ્રેનને હૈદરાબાદમાં સ્થાનાંતરિત પણ કરી દેવામાં આવેલ છે.

વેક્સિન કરવામાં આ કંપનીને આઈસીએમઆર અને એનઆઈવી તરફથી સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. મતલબ કે આ વેક્સિન સંપૂર્ણ રીતે ભારતમાં બનશે. આશા છે કે આવનારા અમુક મહિનામાં જ વેક્સિન બનીને તૈયાર થઇ જશે.

વિશ્વભરના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે પ્રયાસ

કોરોનાની વેક્સિન બનાવવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો જોડાયેલા છે. અમેરિકા, ચીન, ઇઝરાયલ સહિત અન્ય દેશો ખૂબ જ જલ્દી સામાન્ય જનતા માટે વેક્સિન તૈયાર કરી લેવાનો દાવો કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ અંદાજે ૧૦૦ સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે. જેમાંથી ૭ થી ૮ સંસ્થાઓ સકારાત્મક પરિણામો સાથે આગળ વધી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક જનરલ ટેડરોસ એડનોમ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલને જણાવવામાં આવ્યું હતું કે પહેલા વેક્સિનને તૈયાર કરવા માટે ૧૨ થી ૧૮ મહિનાનો સમય લાગવાની સંભાવના હતી. પરંતુ દુનિયાના ૪૦ દેશો, સંગઠનો અને બેંકો પાસેથી શોધ, ઈલાજ અને તપાસ માટે અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાની મદદ મળવાથી વેક્સિન બનાવવાનું કામ ઝડપી બની ગયું છે